હાલાર: જામનગરમાં શહેર-જિલ્લામાં શ્રાવણના પ્રારંભની સાથે જુગારીઓ મેદાને ઉતરી ગયા છે. પુરુષો તો ઠીક પણ જામનગરમાં તો મહિલાઓ પણ જુગારની જમાવટ કરી રહી છે. ત્યારે જામનગર પોલીસે પાંચ મહિલા સહિત 6 જુગારીઓને પકડી પાડ્યાં છે. પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં જીગ્નેશભાઇ ઉર્ફે જીગો પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવી જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પટેલ કોલોની ૧૦/૧, શિવમ પ્લાઝા એપાર્ટમેન્ટ, બીજા માળે રહેતાં જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રાજેન્દ્રભાઇ રામમુર્તીના મકાને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રહી રહેલાં જીગ્નેશભાઇ ઉર્ફે જીગો, જયશ્રીબેન જીતેન્દ્રભાઇ છત્રાળા, કલ્પનાબેન અલ્કેશભાઇ ચુડાસમા, શાંતિબેન કિશોરભાઇ બલદાણિયા, હર્ષાબેન રાજુભાઇ ઘોરિયા અને જસુબેન વિનોદભાઈ દાવડા નામની પાંચ મહિલા સહિત છ વ્યક્તિને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડયા હતાં. પોલીસે તમામના કબ્જામાંથી રૂા.૧૮,૫૦૦ ની રોકડ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.