હાલાર: જામનગરમાં આપઘાતના પ્રયાસની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે.જેમાં શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલ સરલા આવાસ ભવન નજીક વ્યવસાયમાં ભાગીદાર 2 મિત્રોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જો કે આ અંગે જાણ થતા તાત્કાલિક સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં બનેની ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
આ અંગેની પ્રાથમિક વિગત એવી છે કે, મૂળ જામનગરના અને હાલ રાજકોટ પંથકમાં રહેતાં અશોક ભાઈ ભીખાભાઈ ધોકિયા (ઉમર ૫૦) અને પરબતભાઈ કાનાભાઈ ગોજીયા (ઉમર ૫૫ રહે. જામનગર રણજીત નગર હાલ રાજકોટ,) નામના બન્ને મિત્રોએ આજે ઝેરી દવા પી મોત મીઠું કરવાનો પ્રયાસ કરી લીધો હતો. ૮૦ ફૂટ રોડ નજીક સરલાબેન ત્રિવેદીભવન પાસે ગાડીમાં જ બન્ને મિત્રોએ આ પગલું ભરી લીધું હતું.
બાદમાં બનેના પરિવારજનોને ટેલિફોનીક જાણ કરતા બન્નેને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. હાલ બન્ને મિત્રોની હાલત ગંભીર હોવાથી ઇમરજન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.
બન્ને મિત્રો ખેતી અને કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ લગભગ પાંચથી સાત વર્ષથી રાજકોટ સ્થાયી થયા હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. જો કે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હજુ કોઈ સત્તાવાર કારણ બહાર આવ્યું નથી જેથી પોલીસ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે.