હાલાર: જામનગર જિલ્લામાં મોબાઈલ અને બાઈકચોરીની ઘટનાઓમાં તો જબરો ઉછાળો આવી રહ્યો છે. પરંતુ એક એવી ચોરીની ઘટના સામે આવી છે જે જલ્દી માનવામાં પણ ન આવે. હા જામનગર જિલ્લના લાલપુર નજીક ભરૂડીયાના જુના કાચા રસ્તેથી અજાણ્યાં શખ્સો 3 ભેંસ અને એક પાડો તથા એક પાડી ચોરી ગયા હતા. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. જોકે ગત તા. 13 ના બનાવની હવે છેક ફરિયાદ નોંધાતા હવે આરોપી પોલીસના હાથવેંત માં હોય તેવું જણાઈ રહ્યું છે.
વાત એમ છે કે ગત તા-13/07/2024 ના રોજ દિવસના લાલપુર પાસે ભરૂડીયાના જુના કાચા રસ્તે રૂપાવટી નદીમાં ભુપતભાઈ કાનાભાઇ પઢીયાર (ઉ.વ. 44 ધંધો-ખેતી તથા માલધારી રહે-રૂપાવટી કાંઠે મોચી મંદીરની બાજુમાં લાલપુર) નો ભત્રીજો ભેંસો ચરાવતો હતો. માલધારી યુવાન ભેંસ ચરાવવા માટે લઈ ગયેલ અને તેને રૂપાવટી નદીમાં ગરમીથી રાહત માટે બેસાડી હતી.
આ વેળાએ અજાણ્યો ચોર મોકો ગોતીને આવ્યો હતો અને તેને 1.50 લાખની ત્રણ મોટી ભેસો તથા 30 હજારની કિંમતની એક પાડી તથા એક પાડાની ચોરી કરી હંકારી ગયો હતો. આમ કિ.રૂ.1,80,000 ની કીમતના પશુની ચોરી થતાં મામલો લાલપુર પોલીસ મથકે પહોંચ્યો છે. જોકે 10 થી 15 દિવસ અગાઉની ઘટનાની હવે છેક ફરિયાદ નોંધાતાં અનેક સવાલો ઉઠ્યા છે. જોકે હાલ તો પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.