ગુજરાત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રોગના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે અગમચેતી એ જ સલામતી છે. આ વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો ૧૯૬૫ માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે.
ચંદીપુરા વાયરસ-“વેસીક્યુલોવાયરસ”-રર્હેબડો વાયરીડીયએ કુળનો છે. આકારમાં બંધુકની બુલેટ જેવો છે. ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય વાહક જવાબદાર છે.કેટલીક બાબતોની તકેદારી રાખીને બાળકો તેમજ પરિવારના સભ્યોને સલામત રાખી શકાય છે.
ચાંદીપુરા એક વાયરસ છે જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતની માખી) દ્વારા પ્રસરે છે. સેન્ડ ફ્લાય મુખ્યત્વે કાચા મકાનોની દિવાલની તિરાડોમાં, મકાનના રેતી કે માટીના બનેલા ભાગોમાં રહેવાનું પસંદ કરે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ગાર લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડોમાં તેમજ દિવાલમાં રહેલા છિદ્રોમાં આ રેતની માખી રહે છે. આ સેન્ડ ફ્લાય ચાંદીપુરા અને કાલા અઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં જોવા મળે છે.
સેન્ડ ફ્લાયની ઉત્પતિ:
સેન્ડ ફ્લાય તેની ઉત્પતિ માટે ઈંડા મૂકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને પુખ્ત માખી બને છે. આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે, જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં ગાર લીપણવાળા દિવાલોની તીરાડો તેમજ છિદ્રોમાં રહે છે. સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરા તાવના રોગનાં લક્ષણો:
- ભારે તાવ આવવો
- માખું દુ:ખવું
- ઉલટી થવી – ઝાડા થવા
- અર્ભભાન થવું
- ખેંચ આવવી
- બેભાન થવું.
ચાંદીપુરા રોગથી બચવાના ઉપાયો:
સેન્ડ ફ્લાય માખીથી બચવા ઘરની દિવાલોમાં અંદરના તથા બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પૂરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ (સૂર્ય પ્રકાશ) આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવાનો આગ્રહ રાખવો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણમાં ધૂળમાં રમવા દેવા નહીં. લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. આમ, ચાંદીપુરા વાયરસથી બચાવા માટે તકેદારી રાખવી અનિવાર્ય છે.