હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરનાં ખાખરડા ગામમાં પરબડી સીમમાં 80 વર્ષના વૃદ્ધની હત્યાથી સનસનાટી મચી ગઇ છે. ફળિયામાં નિંદ્રાધીન વૃદ્ધ પર મોડી રાત્રીના સમયગાળા દરમીયાન તિક્ષણ હથીયાર વડે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધની લોથ ઢળતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ આ મામલે જાણ થતાની સાથે જ કલ્યાણપુર પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. ફિલ્મી ઢબે હત્યા મામલે પોલીસે ઊંડી તપાસ આદરી છે.
સમગ્ર ઘટનાથી પંથકમાં ચકચારી:
સમગ્ર દ્વારકા પંથકમાં સનસનાટી મચાવતી આ ચકચારી ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમા આવેલ પરબડી સીમ તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં વજુભા બનેસંગ જાડેજા (ઉ.વ. આશરે 80) નામના વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
જાણો સંપૂર્ણ ઘટનાક્રમ વિગતવાર:
ગત રાત્રીના 2 થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ખૂની ખેલ ખેલાયો હતો. વજુભા બનેસંગ જાડેજા પોતાના ફળિયામાં રાત્રે સૂતા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. જ્યાં નિંદ્રાધીન વજુભા પર અજાણ્યા શખ્સ ધારીયા જેવા તિક્ષણ હથીયાર વડે તૂટી પડ્યો હતો. જેમાં વૃદ્ધને ગળાના ભાગે ઘા મારતા તેની લોહીલુહાણ હાલત થઈ હતી. જે જીવલેણ સાબિત થતા વૃદ્ધનું કમકાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આરોપીઓને એટલું ખુન્નસ ચડી ગયું હતું કે બેરહમીપૂર્વક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા ખાટલો, ગોદળા સહિતની વસ્તુ લોહીલુહાણ થઈ હતી. આ ઘટનાની પરિવારજનોને જાણ થતા અરેરાતી મચી ગઈ હતી. જો કે આ લોહિયાળ ઘટના મામલે કોઈ સ્પષ્ટ કારણ સત્તાવાર બહાર આવ્યું નથી.
બીજી બાજુ સ્થાનિક પોલીસનો સંપર્ક કરાતા કલ્યાણપુર પી.એસ.આઇ ઉષાબેન અખેડ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યાં મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા ઉપરાંત પંચનામા કરવા સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરાયો હતો. વધુમાં પોલીસે હત્યાનું કારણ જાણવાની દિશામાં શક માંદો અને પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.