હાલાર: જામનગરમાં ખાદ્ય ચીજોમાં જીવાત નીકળવાનો સીલસીલો યથાવત છે. તેવામાં ગઈકાલે તો હદ થઇ ગઇ હતી. જેમાં જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ નૂરી પાર્ક વિસ્તારમાં એક મોલમાંથી ખરીદેલ ચીઝના પેકેટમાંથી મેટલ બોલ્ટ નીકળતા હડકંપ મચી ગયો છે.
જામનગરમાં ખાદ્યચીજોમાં અન્ય ચીજ અને જીવાત નીકળવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ તો વેફર માથી દેડકો નીકળ્યો એ બનાવ તાજો છે તેવામાં ગઈકાલે આવો જ એક બનાવ સામે આવ્યો હતો.
કાલાવડ નાકા બહાર આવેલ નૂરી પાર્ક રહેતા અમીનભાઇ કુરેશી નામના યુવાને ગતરોજ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ રિલાયન્સ મોલમાથી અમૂલ ચીઝની ખરીદી કરી હતી. જે અમુલ ચીઝનુ પેકેટ ઘરે જઈને ખોલ્યું હતું. આ વેળાએ ચીઝમાથી મેટલ બોલ નીકળતા તેઓ ચોંકી ગયા હતા.
આ બનાવને લઈને તેઓએ સબંધિત વિભાગમાં જાણ કરી હતી.જેને પગલે તંત્ર દોડતું થયું છે. જોકે અવારનવાર સામે આવતી આવી ઘટનાઓને લઇને તંત્રની કામગીરી સામે પણ સો મણનો સવાલ ઊભો થયો છે.