હાલાર: જામનગરની મેડીકલ બોર્ડ, ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ચોથા વર્ગનાં કર્મચારી રૂ.૨૫ હજારની લાંચની રકમ સ્વીકારે તે સમયે લાંચ રૂશ્વત વિરોધી શાખા એ છટકું ગોઠવ્યાની ગંધ આવી જતાં લાંચની રકમ પરત આપીને કર્મચારી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
એક સરકારી કર્મચારીને બદલી માટે બીમારીનું સર્ટિફિકેટ જોઈતું હતું.તે માટે રૂપિયા અઢી લાખની લાંચ માગવામાં આવી હતી. જેમાં ૪૫,૦૦૦ રૂપિયા આપવાનું સેટલમેન્ટ થયું હતું અને ૨૦,૦૦૦ ની રકમ અગાઉ ચૂકવી દીધા બાદ આજે ૨૫,૦૦૦ ની રકમ આપવા સમયે લાંચનું છટકું ગોઠવાયું હતું.
આ બનાવની વિગત એવી છે કે, આ કામના ફરીયાદીને વર્ષ-૨૦૧૪ થી હદયરોગની બિમારી લાગુ પડી હતી. જેના કારણે ફરીયાદીએ તેમના વિભાગમા વતનથી નજીકના સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રીપોર્ટ આપેલો હતો જે સબબ ફરીયાદીને તેમના વિભાગે હદયરોગની ખરાઇ કરાવવા માટે મેડીકલ બોર્ડ, ગુરૂ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર ખાતે તપાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા.જયાં આ કામના આરોપી એવા પટાવાળા અશોક ધીરુભાઈ પરમારએ ફરીયાદી પાસે મેડીકલ તપાસણી બાદ તેમના વિભાગને ખરાઇ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામા રૂપિયા ૨,૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હરી. જેમા રકઝકના અંતે રૂપિયા ૪૫,૦૦૦ લાંચની રકમ આપવાનુ નકિક થયુ હતું.
જે પૈકી રૂપિયા ૨૦,૦૦૦ ની લાંચની રકમ ફરીયાદીએ આપી દિધી હતી. અને બાકી રહેતી લાંચની રકમ રૂપિયા ૨૫,૦૦૦ ફરીયાદી આપવા માંગતા ન હોય માટે તેમણે અમરેલી એ.સી.બી.નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદનાં આઘારે આજે બપોરે ૧૨:૪૫ કલાકે જી.જી.હોસ્પિટલનાં મેડિકલ બોર્ડ વિભાગમા લાંચના છટકાનુ આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી અશોક પરમાર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી એ.સી.બી.ની ટ્રેપનો શક જતાં આ લાંચની રકમ ફરીયાદીને પરત આપી નાશી ગયો હતો. જેને જામનગર એસીબીની ટીમ શોધી રહી છે.
લાંચનું આ છટકુ અમરેલીનાં ઇન્ચાર્જ પો.ઇન્સ આર. ડી. સગર એ ગોઠવ્યું હતું. અને તેની સાથે લાંચ રૂશ્વત વિરોધી શાખા બોટાદનો સ્ટાફ જોડાયો હતો. અને સુપર વિઝન અધિકારી તરીકે જી. વી. પઢેરીયા (ઇ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર) રહ્યા હતાં.