હાલાર: જામનગર પોલીસ બેડામાં વ્યાપેલો ભ્રષ્ટાચાર વધુ એક વખત ખુલીને સામે આવ્યો છે. જામનગરના સીટી બી. ડિવિઝનના એલઆઈબીના હેડ કોન્ટેબલ સામે લાંચ માંગવાનો ગુનો નોંધાતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ કર્મીએ વાહન ચાલક પાસેથી 6 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. આ અંગે લાંચ રૂશ્વત ધારા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પોલીસકર્મીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એલઆઇબી શાખાના કર્મચારી દેવસુરભાઈ વિરાભાઈ સાગઠીયા સામે જામનગર એસીબીની ટીમ દ્વારા લાંચ રૂશ્વત ધારા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. વાત એમ છે કે જામનગરમાં ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક વ્યક્તિનું વાહન રીકવિઝીટ થયું હતું. તે ઇકો કારના ધારા ધોરણ મુજબ કાયદેસરના મંજૂર થયેલ બિલની રકમ બેંકના ખાતામાં જમા થઈ હતી. બાદમાં આ પોલીસ કર્મચારીએ તે બિલની રકમ પેટે 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
જોકે વાહન માલિક દ્વારા આ રકમ આપવી ન હોવાથી જામનગરની એ.સી.બી. શાખાને સમગ્ર વિગત જાહેર કરવામાં આવી હતી. આ હકીકતને આધારે એસએબીએ પુરાવાઓ એકત્ર કર્યા પછી પોલીસ કર્મચારી દેવસુરભાઈ વીરાભાઈ સાગઠીયા સામે લાંચ રૂશ્વત ધારા ફરિયાદ નોંધાવતા ગુન્હો દાખલ કરાયો છે. જેમાં સરકાર પક્ષે એ.સી.બી. શાખા ના ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. પટેલ ફરિયાદી બન્યા છે. હાલ આ ફરિયાદના આધારે આરોપી પોલીસકર્મીને દબોચી લેવા કાર્યવાહી આગળ ધપાવાઇ છે. બીજી તરફ લાંચની માંગને લઇ સમગ્ર પોલીસ બેડામાં ચાર મચી છે.