- જામનગરના દડિયા રોડ પર ચાલુ વીજ વાયર તૂટી પડ્યાંની દુર્ઘટના
- રોડ પર આવેલ 66 કેવીનો વીજ વાયર એકાએક પવનની થપાટે તૂટી પડ્યો
- PGVCL માં ફોન કરવા છતાં તંત્રની ટીમ પહોચી ન હોવાના ચોંકાવનારા આરોપ
હાલાર: આ દુર્ઘટના વેળાએ સદનસીબે કોઈ રાહદારી કે વાહન ચાલક નીચે ન હોવાથી મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી હતી. લોકો દ્વારા સમયસર PGVCL માં ફોન કરવા છતાં તંત્રની ટીમ પહોચી ન હોવાના ચોંકાવનારા આરોપ.
જામનગરમાં PGVCL તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જામનગરના દડિયા રોડ પર ચાલુ વીજ વાયર તૂટી પડ્યાંની ની દુર્ઘટના સામે આવતા લોકોમાં સામાન્ય નાશ ભાગ મચી હતી. બીજી બાજુ લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
જોકે આ દુર્ઘટના વેળાએ સદનસીબે કોઈ રાહદારી કે વાહન ચાલક નીચે ન હોવાથી મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી હતી. હદ તો ત્યારે થઈ ગઈ કે મોતના માંચડા સમાન આ વીજ વાયર તૂટી પડવાની ઘટના અંગે PGVCL માં ફોન કરવા છતાં તંત્રની ટીમ પહોચી ન હોવાના ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરના દડિયા રોડ પર આવેલ 66 કેવીનો વીજ વાયર એકાએક પવનની થપાટે તૂટી પડ્યો હતો. ચાલુ વીજ વાયર તૂટતા મેઈન રોડ પર શોર્ટ સર્કિટના તણખલા થયા છે. જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ થોડો સમય સુધી લોકોમાં સામાન્ય નાશ ભાગ મચી હતી.
ત્યારબાદ આ મામલે રોડ પરથી પસાર થતા લોકો દ્વારા અકસ્માતના જોખમને લઈ PGVCL તંત્રને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી. જોકે આવી મોટી ગંભીર બાબત હોવા છતાં પણ તંત્ર દ્વારા બેદરકારી દાખવી તાત્કાલિક સ્થળ પર સ્ટાફ ન આવ્યો હોવાનું સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે. મોતનું મો ફાડીને ઉભેલા આ વાયરને PGVCL તત્કાલિક દૂર કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દુર્ઘટનાઓની ભરમાર વચ્ચે જામનગર શહેરમાં અનેક જગ્યાઓ પર સપ્ટેશનના TC પણ ખુલ્લા જોવા મળે છે. ખુલ્લા TCમાં કોઈ પશુ કે રાહદારીઓને કોઈ શોર્ટ લાગે તો જવાબદારી કોની રહેશે તે પણ સવાલો છે ?