- નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો
- સારવાર મળે તે પહેલા જ યુવાનને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો
હાલાર: જામનગર શહેરમાં વધુ એક યુવાનની લોથ ઢળતા વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક ક્ષત્રિય યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કરાયો હતો. જેને પગલે યુવાનની લોહીલુહાણ હાલત થઈ હતી. આથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ યુવાનને કાળ આંબી જતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવને લઈને નવાગામ ઘેડ વિસ્તારમાં ભારે તગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. બીજી બાજુ સ્થાનિક પોલીસ કાફલો પણ બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી જઈ તપાસ આદરી હતી. જ્યાં કરિયાણાના બાકી રૂપિયાની માંગ કરતા યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર જામનગર પંથકમાં સનસનાટી મચાવતી આ ઘટનાની જામનગર સીટી બી ડીવીઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર શહેરના નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, શ્રીજી પ્રોવીઝન સ્ટોર સામે યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સહદેવસિંહ કેશુભા રાઠોડ નામના યુવાન કરીયાણાની દુકાન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન નવાગામ ધેડમાં જ ગોપાલ ચોક નજીક રાઠોડ ફળીમાં રહેતો આરોપી જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામનો શખ્સ દુકાનેથી ઉધાર માલ લઈ ગયો હતો.બાદમાં આરોપી જયદીપસીહ ઉર્ફે મંગો કેશુભા વાળા રૂપિયા ન આપતાં સહદેવસિંહ કેશુભા રાઠોડે તેના પૈસાની ઉઘરાણી કરી હતી. આ બાબત આરોપી જયદીપસીહને પસંદ ન આવતા તેને ઉશ્કેરાઈ જઈ સહદેવસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક જીવલેણ ઘા છાતીની ડાબી તરફ પડખામાં ઝીંકી દીધો હતો.
આ સમગ્ર ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. બીજી બાજુ સ્થાનિકો દ્વારા હુમલામાં ઘવાયેલ યુવાનને સારવાર અર્થે ખસેડવામાં સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જોકે સારવાર મળે તે પહેલા જ ગંભીર ઈજા ને પગલે સહદેવસીહનુ મોત નીપજ્યું હતું. જેને લઇને પરીજનોમાં અરેરાટી મચી છે.
આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી જઇ સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. બાદમાં મૃતકના સબંધી કિશોરસિંહ નવલસિંહ રાઠોડ (ઉ.વ.૪૭ ધંધો- વેપાર રહે.નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, જામનગર) એ આરોપી જયદીપસીહ ઉર્ફે મુંગો કેશુભા વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠલ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ પ્રકરણની સીટી બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન.એ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.