- ધ્રોલની મહિલા એવી ફસાઈ કે પોલીસની મદદ લેવી પડી
- સુરતના ત્રણ શખ્સોએ એવી જાળ બિછાવી કે, ગુમાવવા પડ્યા 6 લાખ
હાલાર: વધુ રોકાણની લ્હાયમાં અનેક લોકોએ પોતાની મરણ મૂડી ગુમાવી હોવાના કિસ્સાઓ હજરા હજુર છે. તેવામાં જામનગર જિલ્લાના ધ્રોલમાં વધુ એક મહિલાએ જંગી વળતરની લાલચમાં છ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ત્રણ ભેજાબાજા શખ્સોએ વળતરના નામે આંબા-આંબલી બતાવી છ લાખના પાંચ વર્ષના પાંચ કરોડ કરી આપવાની વાત કરી હતી. જેને લઇને મહિલાએ રૂપિયા આપ્યા બાદ આરોપીએ ઉંચા હાથ ધરી દેતાં મહિલાના પગતળેથી જમીન સરકી ગઇ છે અને આ મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર ધ્રોલની મહિલાનું ત્રણ શખ્સોએ છ લાખનું ફૂલેકું ફેરવી દીધું છે. આ અંગે ધ્રોલના વાળંદ શેરી, દેરાસરની સામે રહેતાં હેતલબેન લવકુમાર વૈષ્ણવ નામના મહિલાએ આરોપી ઉપેન્દ્રભાઇ ધિરજભાઇ નિરંજન (રહે.સરથાણા, જકાતનાકા, સુરત), રાકેશકુમાર ચુનીલાલ પટેલ (રહે.સુરત) અને નિશાંત પ્રજાપતિ (રહે.સુરત) નામના શખ્સો સામે ફરિયાદ નોંધીવી હતી.
જેમાં જણાવાયા અનુસાર મહિલાએ ઠગ ટોળકીનો ભેટો થયો હતો. આજથી પાંચેક માસ અગાઉ એટલે કે 8-12-2023ના રોજ આરોપીઓએ મહિલાને વધુ વળતરની લાલચ આપી હતી.
પ્રાઇવેટ બેન્ક એકાઉન્ટમાં છ લાખ રોકાણ કરશો તો તમને પાંચ વર્ષથી પાંચ કરોડ જેટલી જંગી રકમ વળતર પેટે મળશે. આ લાલચમાં હેતલબેન આવી જતાં તેઓએ છ લાખ રૂપિયા આરોપીઓના કહેવા મુજબ ટ્રાન્સફર કરી આપ્યા હતાં. રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ આરોપીઓએ કોઇપણ પ્રકારનું વળતર ન આપી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. જેને લઇને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઉપેન્દ્રભાઇ ધિરજભાઇ નિરંજન (રહે.સરથાણા, જકાતનાકા, સુરત), રાકેશકુમાર ચુનીલાલ પટેલ (રહે.સુરત) અને નિશાંત પ્રજાપતિ સામે કલમ નંબર 406, 420 અને 114 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ પ્રકરણની ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ.મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.