- અરરિયામાં જીજા-સાળીના મોત બાદ પોલીસ સ્ટેશનમાં હોબાળો
- 1000થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી અને લગાવી દીધી આગ
રાષ્ટ્રીય: બિહારની તારાબારી પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં જીજા-સાળીના મોત બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. ભારે અરાજકતા ચાલી રહી છે. 1000થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ફાયરિંગ પણ કર્યું હતું. લોકો જીજાજી અને સગીર સાળીના મૃતદેહને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવા દેતા નથી.
હકીકતમાં, બે દિવસ પહેલા યુવક તેની 14 વર્ષની સાળી સાથે ભાગી ગયો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તે બંને સાથે રહેતા હતા. તેણે તેની પ્રથમ પત્ની અને એક બાળક તરછોડી દીધા હતાં.
આ ઘટના બાદ યુવતીના પિતાએ યુવક પર સગીર યુવતીનું અપહરણ કરીને તેના લગ્ન કરાવવાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એક દિવસ અગાઉ પત્નીએ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. જ્યાં બંનેના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.
પોલીસ કસ્ટડીમાં તેનું મોત કેવી રીતે થયું?
પ્રેમ પ્રકરણના કેસમાં અટકાયત કરાયેલ એક વ્યક્તિ અને તેની સગીર સાળીનું તારાબારી પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયું છે. લોકો પોલીસ દ્વારા માર મારવાની વાત કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેને આત્મહત્યા સાથે જોડવાની પણ વાત કરી રહ્યા છે. પોલીસ કંઈ કહેવા તૈયાર નથી. આ માહિતી મળતાં જ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં તારાબારી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.