ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં મીઠા મધુરા તરબૂચનું આગમન થઈ જતું હોય છે. તરબૂચ તો સ્વાસ્થ્યનો ખજાનો છે.માત્ર તરબૂચ જ નહિ તેની છાલ પણ ફાયદાકારક હોય છે. તરબૂચમાં 92 ટકા પાણીની સાથે અનેક પોષક તત્વો હોય છે જે શરીરને પાણીની સાથે એનર્જી પણ આપે છે. પરંતુ તરબૂચને ખાધા બાદ લોકો તેની છાલને નક્કામી સમજીને ફેંકી દેતા હોય છે. પણ તેમને ખબર નથી હોતી કે તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને બીપી કંટ્રોલ સહિત અનેક ફાયદા થાય છે.
જેમને બીપીનો પ્રોબ્લેમ રહે છે તેમના માટે તરબૂચની છાલ ખૂબ ફાયદાકારક હોય છે. તેની છાલમાં પોટેશિયમનું સારું એવુ પ્રમાણ હોય છે. જે સ્ટ્રેસ અને નસ પર પડતા દબાણને ઓછુ કરવામાં મદદ કરે છે.
જેમને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે તેઓ માટે તરબૂચની છાલ ફાયદાકારક હોય છે. તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે.
તરબૂચના છાલના સેવનથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે. તેમાં રહેલ સિટ્રુલલાઈન એમિનો એસિડ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. જે લોકો જાડા છે તેમને કસરતની સાથે ડાયટમાં તરબૂચની છાલ પણ એડ કરવી જોઈએ. જેનાથી મેટાબોલિઝમ પણ વ્યવસ્થિત રહે છે.
તરબૂચની છાલમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ અને ફ્લેવેનોઈડ્સ જેવા તત્વો હોય છે. જે ત્વચાને નુકસાન કરનારા ફ્રી રેડિકલ્સ, ઓક્સીડેટિવ સ્ટ્રેસને દૂર કરવામાં મદદ પહોંચાડે છે. આ માટે તમારે તરબૂચની છાલનો રસ કાઢીને ચેહરા પર લગાવવો, તેનાથી ચેહરા પરના ડાઘા અને રિંકલ્સથી છુટકારો મળે છે.