- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક બસમાં પંચાર થયું
- એ દરમિયાન પાછળથી એક ટ્રકે બસને મારી ટક્કર
ગુજરાત: ગુજરાતના આણંદ નજીક બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થયો હતો. 15 જુલાઈના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ એક ટ્રકે લક્ઝરી બસને ટક્કર મારી હતી. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
સમાચાર માધ્યમોનાં આધારે મળતી જાણકારી પ્રમાણે બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી. એ દરમિયાન આણંદ પાસે બસમાં પંચર પડ્યું હતું. જેના કારણે બસના ડ્રાઇવર સહિત અનેક મુસાફરો બસની નીચે ઉભા હતા. ત્યારે પાછળથી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. માર્ગ અકસ્માતના સમાચાર મળતા જ આણંદ ફાયર બ્રિગેડ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
તમામ ઇજાગ્રસ્તોને આણંદની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અથડામણનાં કારણે બસ અને ટ્રકને ભારે નુકસાન થયું છે. પોલીસે મૃતદેહના પંચનામા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.